સત્યના પ્રયોગો

સત્યના પ્રયોગો પુસ્તક પાર્ટ ૧


૧. જન્મ


ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજયમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઇએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઇ ચૂકયો છે.’ ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઇઓ ઓરમાયા હતા એવો ખ્‍યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્‍લા તુલસીદાસ ગાંધી. બંને ભાઇએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડયા પછી પોતે રાજસ્‍થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્‍શનર હતા. 
કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્‍યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્‍યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં. પિતાશ્રીએ દ્રવ્‍ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્‍યો. તેથી અમે ભાઇઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા. 
પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્‍યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્‍કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્‍ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્‍વરે પાઠ કરી જતા. 
માતા સાધ્‍વી સ્‍ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્‍યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્‍મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્‍ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્‍ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્‍યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય. 
માતા વ્‍યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઇ કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે. 
આ માત પિતાને ત્‍યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો. 
બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ ‍નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્‍કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઇ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છુ કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશકિત જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઇએ: 
એકડે એક , પાપડ શેક; 

પાપડ કચ્‍ચો, --- મારો— 
પહેલી ખાલી જગ્‍યાએ માસ્‍તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્‍છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્‍યકતા ન હોય. 

૨.બચપણ

પોરબંદરથી પિતાશ્રી રાજસ્‍થાનિક કોર્ટના સભ્‍ય થઇ રાજકોટ ગયા ત્‍યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્‍યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્‍યાંના અભ્‍યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્‍યે સામાન્‍ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઇશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ત્‍યાંથી હાઇસ્‍કૂલમાં. આટલે સુધી પહોંચતાં મને બારમું વર્ષ વીતી ગયું. ત્‍યાં લગી મેં કોઇ પણ વેળા શિક્ષકોને છેતર્યાનું મને સ્‍મરણ નથી, નથી કોઇ મિત્રો કર્યાનું સ્‍મરણ. હું અતિશય શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે જ કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. ‘ભાગવું’ શબ્‍દ ઇરાદાપૂર્વક લખું છું કેમ કે મને કોઇની સાથે વાતો કરવાનું ન ગમતું. ‘કોઇ મારી મશ્‍કરી કરશે તો ? ’ એવી બીક પણ રહેતી. 
હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી ‘મૂર્ખાઇ’ મને માસ્‍તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઇ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડયું. 
આમ છતાં માસ્‍તર તરફ હું મારો વિનય કદી ન ચૂકયો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્‍તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્‍યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજયો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું. 
આ જ સમયે બીજા બે બનાવો બન્‍યા તે મને હંમેશા યાદ રહ્યા છે. મને સામાન્‍ય રીતે નિશાળનાં પુસ્‍તકો ઉપરાંત કંઇ વાંચવાનો શોખ નહોતો. પાઠ કરવા જોઇએ, ઠપકો સહન ન થાય, માસ્‍તરને છેતરાય નહીં, તેથી પાઠ વાંચતો. પણ મન આળસ કરે. તેથી પાઠ ઘણી વાર કાચા રહે. ત્‍યાં બીજું વાંચવાનું સૂઝે શાનું ? પણ પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્‍તક મારી નજરે ચડયું. એ ‘શ્રવણપિતૃભકિત નાટક’. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘેર આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતાપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઇ જાય છે એ દશ્‍ય પણ મેં જોયું. બન્‍ને વસ્‍તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્‍યુ સમયનો તેનાં માતાપિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મે તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્‍યું પણ હતું. 
આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્‍યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્‍યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્‍વપ્‍નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્‍યનું પાલન કરવું એ જ ખરું સત્‍ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્‍મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્‍યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું



૩.બાળવિવાહ:


આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્‍છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્‍યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી. 
૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી. 
વાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઇ તુટી શકે. સગાઇ થઇ હોય છતાં વર મરે તો કન્‍યા રાંડતી નથી. સગાઇમાં વરકન્‍યાને કશો સંબંધ નથી રહેતો. બન્‍નેને ખબર પણ ન હોય. મારી એક પછી એક ત્રણ વાર સગાઇ થયેલી. ત્રણે સગાઇ કયારે થઇ એની મને કશીયે ખબર નથી. બે કન્‍યાઓ એક પછી એક મરી ગઇ એમ મને કહેવામાં આવેલું, તેથી જ હું જાણું છું કે મારી ત્રણ સગાઇ થયેલી. ત્રીજી સગાઇ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઇક સ્‍મરણ છે. પણ સગાઇ થઇ ત્‍યારે મને કશું કહેવામાં આવેલું એવું મને ભાન નથી. વિવાહમાં વરકન્‍યાની જરૂર પડે છે, તેમાં વિધિ રહેલ છે, અને હું જે લખી રહ્યો છું એ તેવા વિવાહ વિશે. વિવાહનું સ્‍મરણ મને પૂરેપૂરું છે. 
અમે ત્રણ ભાઇઓ હતા તે વાંચનારે જાણ્‍યું છે. તેમાં સૌથી મોટા પરણી ચૂકયા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરા જેમની ઉંમર મારા કરતાં કદાચ એકાદ વર્ષ વધારે હશે તેમના, અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ર્ચય કર્યોં. 
આમાં અમારા કલ્‍યાણની વાત નહોતી. અમારી ઇચ્‍છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી. 
હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્‍તુ નથી. વરકન્‍યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્‍યાં અવસર આવે ત્‍યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે. 
આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું ? ખરચ ઓછો થાય વિવાહ શોભે. કેમ કે ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્‍ય ખરચી શકાય. પિતાશ્રી અને કાકાશ્રી વૃદ્ધ હતા. અમે તેમના છેલ્‍લા છોકરા, એટલે અમારા વિવાહ કરવાનો લહાવો લેવાની પણ વૃત્તિ ખરી. આ અને આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ર્ચય થયો, અને તેમાં, મેં જણાવ્‍યું તે પ્રમાણે, તૈયારીઓ અને સામગ્રીઓ તો કેટલા માસ થયાં ચાલી રહેલી. 
અમે ભાઇઓએ તો કેવળ તૈયારીઓથી જ જાણ્‍યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્‍મરણ નથી. વિષય ભોગવવાની વૃતિ તો પાછળથી આવી. તે કેમ આવી તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ન રાખવી. આ મારી શરમ ઉપર હું પડદો નાખવા ધારું છું. કેટલુંક જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે. પણ એ વસ્‍તુની વિગતોને મેં જે મધ્‍યબિદું મારી નજર આગળ રાખેલું છે તેની સાથે થોડો સંબંધ છે. 
અમને બે ભાઇઓને રાજકોટથી પોરબંદર લઇ જવામાં આવ્‍યાં. ત્‍યાં જે પીઠી ચોળવા ઇત્‍યાદિના વિધિ થયા એ બધું, જોકે રમૂજી છે છતાં, મૂકી દેવા યોગ્‍ય છે. 
પિતાશ્રી દીવાન છતાં નોકર. વળી રાજ‍પ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે જવા દીધા ત્‍યારે ખાસ ટપ્‍પા ગોઠવ્‍યા અને બે જ દિવસ અગાઉ મોકલ્‍યા. પણ - ! પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર ૬૦ ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્‍તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્‍યા. છેલ્‍લી મજલમાં ટાંગો ઊંઘો વળ્યો. પિતાજીને સખત વાગ્‍યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલાં મુહૂર્ત કાંઇ ફરે ? હું તો વિવાહના બાળઉલ્‍લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો ! 
પિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના ? અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્‍યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્‍છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્‍યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્‍કુળાનંદનું 

ત્‍યાગ ન ટકે રે વૈરાગ વિના, 

કરીએ કોટિ ઉપાયજી 

ગાઉં છું અથવા સાંભળું છું ત્‍યારે ત્‍યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે. બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્‍યું. શરીરે પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો. પિતાજી કયે કયે પ્રસંગે કઇ કઇ જગ્‍યાએ બેઠા હતા એ બધું મને જેવું ને તેવું હજી યાદ છે. બાળવિવાહનો વિચાર કરતાં પિતાના કાર્યની જે ટીકા મેં આજે કરી છે તે કંઇ મારા મને તે વેળા થોડી જ કરી હતી ? તે વેળા તો બધું યોગ્‍ય ને મનગમતું લાગતું હતું. પરણવાનો શોખ હતો, અને પિતાજી કરે છે એ બરાબર જ છે એમ લાગતું. તેથી તે વખતનાં સ્‍મરણો તાજાં છે. 

માહ્યરે બેઠાં, ચોરીફેરાં ફર્યાં, કંસાર ખાધો ખવડાવ્‍યો. અને વરવહુ ત્‍યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રી ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્‍યે સંસારમાં ઝંપલાવ્‍યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્‍નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પુછયું હોય એવું યાદ નથી. હજી પુછાય એમ છે. પણ પૂછવાની ઇચ્‍છા સરખીયે થતી નથી. વાંચનાર એટલું જાણે કે અમે બન્‍ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ ઓવ છે. એકબીજાથી શરમાંતા તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું ? મળેલી શિખામણ પણ મદદ શું કરે ? પણ કંઇ શીખવવું તે પડે ? જયાં સંસ્‍કાર બળવાન છે ત્‍યાં શિખામણ બધી મિથ્‍યા વધારો થઇ પડે છે. ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયાં, બોલતાં થયાં. અમે બન્‍ને સરખી ઉંમરનાં છીએ. મેં તો ધણીપણું આદર્યું. 



૪.ધણીપણુ:


વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં – પૈસાનાં કે પાઇનાં એ તો યાદ નથી – નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્‍ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઇ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું. ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્‍નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હ્રદયમાં રમી રહ્યું. સત્‍યનો શોખ તો હતો જ. એટલે પત્‍નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્‍ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. નાનકડી ઉંમરે એકપત્‍નીવ્રતનો ભંગ થવાનો સંભવ બહુ થોડો જ હોય. 

પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્‍યું. જો મારે એકપત્‍નીવ્રત પાળવું જોઇએ તો પત્‍નીને એકપતિવ્રત પાળવું જોઇએ. આ વિચારથી હું અદેખો ધણી બન્‍યો. ‘પાળવું જોઇએ’માંથી ‘પળાવવું જોઇએ’ એ વિચાર ઉપર આવ્‍યો. અને જો પળાવવું જોઇએ તો મારે ચોકી રાખવી જોઇએ. મને કાંઇ પત્‍નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઇ કારણ જોવા કયાં બેસે છે ? મારી સ્‍ત્રી હંમેશા કયાં જાય છે એ મારે જાણવું જ જોઇએ, તેથી મારી રજા વિના કયાંયે જવાય જ નહીં. આ વસ્‍તુ અમારી વચ્‍ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઇ પડી. રજા વિના કયાંયે ન જવાય એ તો એક જાતની કેદ જ થઇ. પણ કસ્‍તુરબાઇ એવી કેદ સહન કરે એમ હતી જ નહીં. ઇચ્‍છામાં આવે ત્‍યાં જરૂર મને પૂછયા વિના જાય. જેમ હું દાબ મૂકું તેમ તે વધારે છૂટ લે, અને તેમ હું વધારે ચિડાઉં. આથી અમ બાળકો વચ્‍ચે અબોલા એ સામાન્‍ય વસ્‍તુ થઇ પડી. કસ્‍તૂરબાઇએ જે છૂટ લીધી તેને હું નિર્દોષ માનું છું. એક બાળા જેના મનમાં પાપ નથી એ દેવદર્શને જવા ઉપર કે કોઇને મળવા જવા ઉપર દાબ કેમ સહન કરે ? આ તો હવે સમજાય છે. ત્‍યારે તો મારે મારું ધણીપણું સિદ્ધ કરવું હતું. 
પણ વાંચનાર એમ ન માને કે અમારા આ ઘરસંસારમાં કયાંયે મીઠાશ નહોતી. મારી વક્રતાનું મૂળ પ્રેમમાં હતું. મારે મારી પત્‍નીને આદર્શ સ્‍ત્રી બનાવવી હતી. એ સ્‍વચ્‍છ થાય, સ્‍વચ્‍છ રહે, હું શીખું તે શીખે, હું ભણું તે ભણે, અને અમે બન્‍ને એકબીજામાં ઓતપ્રોત રહીએ, એ ભાવના હતી. 
કસ્‍તૂરબાઇને ભાવના હતી એવું મને ભાન નથી. તે નિરક્ષર હતી. સ્‍વભાવે સીધી, સ્‍વતંત્ર, મહેનતુ અને મારી સાથે તો ઓછું બોલનારી હતી. તેને પોતાના અજ્ઞાનનો અસંતોષ નહોતો. હું ભણું છું ને પોતે પણ ભણે તો સારું એવી એની ઇચ્‍છા મેં કદી મારા બચપણમાં અનુભવી નથી. એથી હું માનું છું કે મારી ભાવના એકપક્ષી હતી. મારું વિષયસુખ એક સ્‍ત્રી ઉપર જ નિર્ભર હતું અને હું તે સુખનો પ્રતિઘોષ ઇચ્‍છતો હતો. જયાં પ્રેમ એક પક્ષ તરફથી પણ હોય ત્‍યાં સર્વાશે દુઃખ તો ન જ હોય. 
મારે કહેવું જોઇએ કે હું મારી સ્‍ત્રી પરત્‍વે વિષયાસકત હતો. નિશાળમાંયે તેના વિચાર આવે, રાત્રી કયારે પડે અને કયારે અમે મળીએ એ વિચાર રહ્યા જ કરે. વિયોગ અસહ્ય હતો. મારી કેટલીક કાલીઘેલી વાતોથી હું કસ્‍તુરબાઇને જગાડયા જ કરુ. આ આસકિતની જ સાથે જો મારામાં કર્તવ્‍યપરાયણતા ન હોત તો રોગથી પીડાઇ મૃત્‍યુને વશ થયો હોત, અથવા આ જગતમાં વૃથા જીવી રહ્યો હોત, એમ મને ભાસે છે. સવાર થાય એટલે નિત્‍યકર્મો તો કરવાં જ જોઇએ, કોઇને છેતરી ન જ શકાય, આવા મારા વિચારોથી હું ઘણાં સંકટોમાંથી બચ્‍યો. 
હું જણાવી ગયો કે કસ્‍તૂરબાઇ નિરક્ષર હતી. તેને ભણાવવાની મને ઘણી હોંશ હતી. પણ મારી વિષયવાંછના મને ભણાવવા કયાંથી દે ? એક તો મારે પરાણે ભણાવવું રહ્યું. તે પણ રાત્રે એકાંતે જ થઇ શકે. વડીલોને દેખતાં તો સ્‍ત્રીના ભણી જોવાય જ નહીં. વાત તો થાય જ શાની ? કાઠિયાવાડમાં લાજ કાઢવાનો નકામો અને જંગલી રિવાજ ત્‍યારે હતો; આજ પણ ઘણે ભાગે મોજૂદ છે. એટલે ભણાવવાના સંજોગો પણ મારે સારુ પ્રતિકૂળ. તેથી જુવાનીમાં મે ભણાવવાના જેટલા પ્રયત્‍નો કર્યા તે બધા લગભગ નિષ્‍ફળ ગયા એમ મારે કબૂલ કરવું જોઇએ. જયારે હું વિષયની ઊંઘમાંથી જાગ્‍યો ત્‍યારે તો હું જાહેર જીવનમાં ઝંપલાવી ચૂકયો હતો, એટલે બહુ વખત આપી શકું એવી મારી સ્થિતિ નહોતી રહી. શિક્ષક મારફતે ભણાવવાના મારા પ્રયત્‍નો પણ નિષ્‍ફળ ગયા. પરિણામે આજે કસ્‍તૂરબાઇની સ્થિતિ માંડ કાગળ લખી શકે ને સામાન્‍ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદૂષી સ્‍ત્રી હોત એવી મારી માન્‍યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઇ જ અશકય નથી એમ હું જાણું છું. 
આમ સ્‍વસ્‍ત્રી સાથે વિદુષી છતાં હું પ્રમાણમાં કેમ બચી શકયો તેનું એક કારણ બતાવી ગયો. બીજું પણ એક નોંધવા જેવું છે. સેંકડો અનુભવોથી હું એ તારણ કાઢી શકયો છું કે જેની નિષ્‍ઠા સાચી છે તેને પ્રભુ જ ઉગારી લે છે. હિદું સંસારમાં બાળલગ્‍નનો ઘાતકી રિવાજ છે, તેની જ સાથે તેમાંથી થોડી મુકિત મળે એવો રિવાજ પણ છે. બાળક વરવધૂને માબાપ લાંબો વખત સાથે રહેવાં દેતાં નથી. બાળસ્‍ત્રીનો અરધાથી વધારે વખત તેના પિયરમાં જાય છે. આવું જ અમારે વિશે પણ બન્‍યું. એટલે કે, ૧૩ થી ૧૯ વર્ષની ઉંમર દરમિયાન અમે છૂટક છૂટક મળી ત્રણ વર્ષથી વધારે કાળ સાથે નહીં. રહ્યાં હોઇએ. છઆઠ મહિના રહીએ એટલે માબાપનું તેડું હોય જ. એ વેળા તો એ તેડું બહું વસમું લાગતું, પણ તેથી જ અમે બન્‍ને બચી ગયાં. પછી ૧૮ વર્ષની ઉંમરે તો હું વિલાયત ગયો, એટલે એ સુંદર ને લાંબો વિયોગ આવ્‍યો. વિલાયતથી આવીને પણ સાથે તો છએક માસ જ રહ્યાં હોઇશું. કેમ કે મારે રાજકોટ- મુંબઇ વચ્‍ચે આવજા થતી. તેટલામાં વળી દક્ષિ‍ણ આફ્રિકાનું તેડું આવ્‍યું. દરમિયાન હું સારી પેઠે જાગ્રત થયો હતો. 


૫.હાઇસ્કુલમાં:



વિવાહ થયા ત્‍યારે હું હાઇસ્‍કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઇ એક ન સ્‍કૂલમાં ભણતા. જયેષ્‍ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઇના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્‍યું કે અમારું બે ભાઇનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઇને સારુ તો એથીયે વિષમ પરિણામ આવ્‍યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શકયા. આવું અનિષ્‍ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્‍યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિંદુ સંસારમાં જ હોય. 

મારો અભ્‍યાસ ચાલુ રહ્યો. હાઇસ્‍કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્‍યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઇ દિવસ મારું વર્તન કે અભ્‍યાસ ખરાબ હોવાની ટીકા ગઇ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિ‍યા ને દસ રૂપિ‍યાની શિષ્‍યવૃતિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. ચાળીસ-પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઇ શકે ? 
મારું પોતાનું સ્‍મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઇ માન નહોતું. ઇનામ કે શિષ્‍યવૃત્તિ મળે તો મને આશ્ર્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઇ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઇ પડે. એક વખત માર ખાવો પડયો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્‍તર હતા. તે વિદ્યાર્થીપ્રીય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યા હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફુટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજયો કે વ્‍યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્‍થાન વિદ્યાભ્‍યાસમાં હોવું જોઇએ. 
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઇએ. તેનું કારણ એ કે, પુસ્‍તકોમાં ખુલ્‍લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઇસ્‍કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્‍યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્‍યું. 
અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્‍છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જયારે કસરત ફરજિયાત થઇ ત્‍યારે આ સેવામાં વિધ્‍ન પડયું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઇએ એવી વિનંતી કરી. પણ ગીમી સાહેબ શાના માફી આપે ? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે ચાર વાગ્‍યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળાં હતાં, તેથી વખતની કંઇ ખબર નહોતી. વાદળાંથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્‍યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછયું. મેં તો જે હતું તે કારણ બતાવ્‍યું. તેમણે તે સાચું ન માન્‍યું ને મારો એક આનો કે બે આના (કેટલો એ બરાબર યાદ નથી) દંડ થયો. હું ખોટો ઠર્યો ! મને અતિશય દુઃખ થયું. ‘હું ખોટો નથી’ એ કેમ સિદ્ધ કરું ? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજયો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઇએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્‍લી હતી. મને ઝાખું સ્‍મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શકયો હતો. 
કસરતમાંથી તો મુકિત મેળવી જ. નિશાળમાં સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાને અર્થે ઇચ્‍છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્‍તરને મળવાથી મુકિત મળી. 
વ્‍યાયામને બદલે ફરવાનું રાખ્‍યું તેથી શરીરને વ્‍યાયામ ન કરાવ્‍યાની ભૂલને સારુ કદાચ મારે સજા નથી ભોગવવી પડી; પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્‍યાલ મારામાં કયાંથી આવ્‍યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્‍યત્‍વે કરીને દક્ષિ‍ણ આફ્રિકામાં, જયાં વકીલોના અને દક્ષિ‍ણ આફ્રિકામાં જન્‍મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્‍યારે, હું લજવાયો ને પસ્‍તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઇએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્‍ન કર્યો, પણ પાકે ઘડે કંઇ કાંઠા ચડે ? જુવાનીમાં જેની મે અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શકયો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્‍યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારુ ચિત્રકળા આવશ્‍યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોચ્‍યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઇએ. જેમ પક્ષી ઓ, વસ્‍તુઓ વગેરેને જોઇ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતાં શીખે, ને જયારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતાં શીખે ત્‍યારે અક્ષર કાઢતાં શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય. 
આ કાળના વિદ્યાભ્‍યાસનાં બીજાં બે સ્‍મરણ નોંધવાલાયક છે. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્‍યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્‍તરે મારી પાસે વિચાર કરાવ્‍યો. મહેનતું વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્‍યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂકયો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિશિક્ષક સમજાવવામાં સારા હતા. પણ મને કંઇ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઇ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારી ખંત ઉપર વિશ્ર્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઊતરવાનો વિચાર તો બંધ જ રાખ્‍યો. પ્રયત્‍ન કરતાં કરતાં જયારે યુકિલડના તેરમા પ્રમેય ઉપર આવ્‍યો ત્‍યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્‍કેલી શી ? ત્‍યાર બાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઇ પડયો. 
સંસ્‍કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્‍કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઇ જ ન મળે, ત્‍યારે સંસ્‍કૃતમાં તો મારી દષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્‍કૃતશિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્‍કૃતવર્ગ ને ફારસીવર્ગ વચ્‍ચે એકજાતની હરીફાઇ હતી. ફારસી શીખવનાર મોલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માંહે માંહે વાત કરે કે, ફારસી તો બહુ સહેલું છે ને ફરસીશીક્ષક બહુ ભલા છે, વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઇ બેઠો. સંસ્‍કૃતશિક્ષકને દુઃખ થયું. તેમને મને બોલાવ્‍યો. ‘તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે ? તને જે મુશ્‍કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્‍કૃત શીખવવા ઇચ્‍છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઇએ. તું ફરી મારા વર્ગમાં બેસ. ’ હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શકયો. આજે મારો આત્‍મા કૃષ્‍ણાશંકર માસ્‍તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્‍કૃત હું તે વેળા શીખ્‍યો તેટલું પણ ન શીખ્‍યો હોત તો આજે મારાથી, સંસ્‍કૃત શાસ્‍ત્રોમાં રસ લઇ શકું છું, તે ન લઇ શકાત. મને તો એ પશ્ર્ચાતાપ થાય છે કે હું સંસ્‍કૃત વધારે ન શીખી શકયો. કેમ કે , પાછળથી હું સમજયો કે કોઇ પણ હિંદુ બાળકે સંસ્‍કૃતના સરસ અભ્‍યાસ વિના ન જ રહેવું જોઇએ. 

હવે તો હું એવું માનું છું કે ભારતવર્ષના ઉચ્‍ચ શિક્ષણક્રમમાં સ્‍વભાષા ઉપરાંત રાષ્‍ટ્રભાષા હિંદી, સંસ્‍કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્‍થાન હોવું જોઇએ. આટલી ભાષાની સંખ્યાથી કોઇએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહીં પણ તેમાં અતીશય રસ રહેલો છે. વળી જે એક ભાષા ને શાસ્‍ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઇ પડે છે. ખરું જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્‍કૃત એક ભાષામાં ગણી શકાય. તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્‍કૃતને લગતી છે, ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બન્‍ને ઇસ્‍લામના પ્રયટ થયા પછી ખેડાયેલી છે, તેથી બન્‍ને વચ્‍ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્‍યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્‍દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્‍કૃત જાણવું આવશ્‍યક છે.


૬.દુ:ખદ પ્રસંગ ૧:

હું કહી ગયો કે હાઇસ્‍કુલમાં મને થોડા જ અંગત મિત્રો હતો જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્‍યો, જોકે મેં તે મિત્રનો ત્‍યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્‍યો. તે સંગ કરવામાં મારી સુધારક દષ્ટિ હતી. તે ભાઇની પ્રથમ મિત્રતા મારા વચેટ ભાઇની સાથે હતી. તે મારા ભાઇના વર્ગમાં હતા. તેનામાં કેટલાક દોષો હતા તે હું જોઇ શકતો હતો. પણ મેં તેનામાં વફાદારીનું આરોપણ કરેલું. મારા માતૃશ્રી, મારા જયેષ્‍ઠ ભાઇ અને મારી ધર્મપત્‍ની ત્રણેને એ સંગ કડવો લાગતો હતો. પત્‍નીની ચેતવણીને તો હું ગર્વિષ્‍ઠ ધણી શેનો ગણકારું ? માતાની આજ્ઞાનું ઉલ્‍લંઘન ન જ કરું. વડીલ ભાઇનું સાંભળું જ. પણ તેમને મેં આમ કહી શાંત કર્યા : ‘તેના દોષ જે તમે ગણાવો છો તે હું જાણું છું. તેના ગુણ તો તમે ન જ જાણો. મને તે આડે માર્ગે નહી લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહો એમ માગી લઉં છું. ’ આ બોલથી તેમને સંતોષ થયો એમ હું નથી માનતો, પણ તેઓએ મારા ઉપર વિશ્ર્વાસ રાખ્‍યો ને મને મારે માર્ગે જવા દીધો. 

મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્‍ફળ નીવડયો. 
જયારે આ મિત્રના પ્રસંગમાં હું આવ્‍યો ત્‍યારે રાજકોટમાં ‘સુધારાપંથ’ પ્રવર્તતો હતો. ઘણા હિંદુ શિક્ષકો છૂપી રીતે માંસાહાર ને મદ્યપાન કરતા હતા એવા ખબર આ મિત્ર તરફથી મળ્યા. રાજકોટના બીજા જાણીતા ગૃહસ્‍થોનાં નામ પણ તેણે ગણાવ્‍યાં. હાઇસ્‍કૂલના કેટલાક વિદ્યાર્થીઓનાં નામ પણ મારી પાસે આવ્‍યાં. હું તો આશ્ર્ચર્ય પામ્‍યો ને દુઃખી પણ થયો. મેં કારણ પૂછયું ત્‍યારે આ દલીલ થઇ, ‘ આપણે માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજય ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. હું કેવો કઠણ છું કે કેટલું દોડી શકું છું એ તો તમે જાણો જ છો. એનું કારણ પણ મારો માંસાહાર જ છે. માંસાહારીને ગૂંમડાં થાય નહીં, થાય તો તેને ઝટ રૂઝ આવે. આપણા શિક્ષકો તે ખાય છે, આટલા નામાંકિત માણસો ખાય છે, તે કંઇ વગરસમજયે ખાય છે ? તમારે પણ ખાવું જોઇએ. 

ખાઇ જુઓ અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.' 

આ કંઇ એક દિવસમાં થયેલી દલીલ નથી. એવી દલીલો અનેક દાખલાઓથી શણગારાયેલી ઘણી વાર થઇ. મારા વચેટ ભાઇ તો અભડાઇ ચુકયા હતા. તેમણે આ દલીલમાં પોતાની સંમતી આપી. મારા ભાઇના પ્રમાણમાં ને આ મિત્રના પ્રમાણમાં હું તો માયકાંગલો હતો. તેમનાં શરીર વધારે સ્‍નાયુબદ્ધ હતાં, તેમનું શરીરબળ મારા કરતાં ઘણું વધારે હતું. તેઓ હિમતવાન હતા. આ મિત્રનાં પરાક્રમો મને મુગ્‍ધ કરતાં. તે ગમે તેટલું દોડી શકતા. તેમની ઝડપ તો બહુ સરસ હતી. લાંબુ ને ઊંચું ખૂબ કૂદી શકે. માર સહન કરવાની શકિત પણ તેવી જ. આ શકિતનું પ્રદર્શન પણ મને વખતોવખત કરાવે. પોતાનામાં જે શકિત ન હોય તે બીજાનામાં જોઇને મનુષ્‍ય આશ્ર્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ર્ચર્યમાંથી મોહ પેદા થયો. મારામાં દોડવાકૂદવાની શકિત નહીં જ જેવી હતી. હું પણ આ મિત્રના જેવો બળવાન થાઉં તો કેવું સારું ! 

વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા કયાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો કયાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશકય. રખે અહીંથી ભૂત આવે. ત્‍યાંથી ચોર, ત્રીજી જગ્‍યાએથી સર્પ ! એટલે દીવો તો જોઇએ જ. પાસે સૂતેલી અને હવે કાંઇક જુવાનીમાં આવેલી સ્‍ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું ? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્‍યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઇઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્‍યું. 
આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્‍ય નિશાળોમાં ગવાતું : 
અંગ્રેજો રાજય કરે , દેશી રહે દબાઇ 

દેશી રહે દબાઇ, જોને બેનાં શરીર ભાઇ 

પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેને. 

આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઇ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્‍તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઇશ. દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો. 

માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો. 

આ નિશ્ર્ચય – આ આરંભ – નો અર્થ બધા વાંચનાર નહીં સમજી શકે. ગાંધી કુટુંબ વૈષ્‍ણવ સંપ્રદાયનું. માતપિતા અતિશય ચુસ્‍ત ગણાતાં. હવેલીએ હંમેશાં જાય. કેટલાંક મંદિરો તો કુટુંબના જ ગણાય. વળી ગુજરાતમાં જૈન સંપ્રદાયનું બહુ બળ. તેની અસર દરેક સ્‍થળે, દરેક પ્રવૃતિમાં જોવામાં આવે. એટલે માંસાહારનો જે વિરોધ, જે તિરસ્‍કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્‍ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્‍તાનમાં કે આખા જગતમાં બીજે કયાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્‍કાર. 

માતપિતાનો હું પરમ ભકત. તેઓ મારા માંસાહારની વાત જાણે તો તેમનું તો વણમોતે તત્‍કાળ મૃત્‍યુ જ નીપજે એમ હું માનનારો. સત્‍યનો જાણ્‍યેઅજાણ્‍યે સેવક તો હું હતો જ. માંસાહાર કરતાં માતપિતાને છેતરવાનું રહેશે એ જ્ઞાન મને તે વેળા નહોતું એમ હું ન કહી શકું. 

આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ર્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્‍તુ હતી. 

પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્‍વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્‍તાનને સ્‍વતંત્ર કરવું હતું. ‘સ્‍વરાજય’ શબ્‍દ તો ત્‍યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્‍યો


૭.દુ:ખદ પ્રસંગ ૨:

નીમેલો દિવસ આવ્‍યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્‍કેલ છે. એક તરફ સુધારાનો ઉત્‍સાહ, જિંદગીમાં મહત્‍વના ફેરફાર કરવાની નવાઇ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઇને કાર્ય કરવાની શરમ, આમાં કંઇ વસ્‍તુ પ્રધાન હતી એનું મને સ્‍મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્‍યા. દૂર જઇ કોઇ ન દેખી શકે એવો ખૂણો શોધ્‍યો, અને ત્‍યાં મેં કદી નહીં જોયેલી વસ્‍તુ – માંસ જોયુ ! સાથે ભઠિયારાને ત્‍યાંની ડબલરોટી હતી. બેમાંથી એક વસ્‍તુ ભાવે નહીં. માંસ ચામડા જેવુ લાગે. ખાવું અશકય થઇ પડયું. મને ઓકારી આવવા લાગી. ખાવું પડતું મેલવું પડયું. 

મારી આ રાત્રિ બહુ વસમી ગઇ. ઊંઘ ન આવે. કેમ જાણે શરીરમાં બકરું જીવતું હોય ને રુદન કરતું હોય એમ સ્‍વપ્‍નામાં લાગે. હું ભડકી ઊઠું, પસ્‍તાઉં ને વળી વિચારું કે મારે તો માંસાહાર કર્યે જ છૂટકો છે, હિંમત ન હારવી ! મિત્ર પણ હારી જાય તેવા નહોતા. તેણે હવે માંસને જુદી જુદી રીતે રાંધવાનું ને શણગારવાનું તેમ જ ઢાંકવાનું કર્યું. નદીકિનારે લઇ જવાને બદલે કોઇ બબરચીની સાથે ગોઠવણ કરી છૂપી રીતે એક દરબારી ઉતારામાં લઇ જવાનું યોજયું અને ત્‍યાં ખુરશી, મેજ વગેરે સામગ્રીઓના પ્રલોભન વચ્‍ચે મને મૂકયો, આની અસર થઇ. રોટીનો તિરસ્‍કાર મોળો પડયો, બકરાની માયા છૂટી, ને માંસનું તો ન કહેવાય પણ માંસવાળા પદાર્થો દાઢે વળગ્‍યા. આમ એક વર્ષ વીત્‍યું હશે અને તે દરમિયાન પાંચ છ વાર માંસ ખાવા મળ્યું હશે, કેમ કે હંમેશા દરબારી ઉતારા ન મળે, હંમેશા માંસના સ્‍વાદિષ્‍ટ ગણાતાં સરસ ભોજનો તૈયાર ન થઇ શકે. વળી એવાં ભોજનોના પૈસા પણ બેસે. મારી પાસે તો ફૂટી બદામ સરખી નહોતી. એટલે મારાથી કંઇ અપાય તેમ નહોતું. એ ખર્ચ તો પેલા મિત્રે જ શોધવાનું હતું. તેણે કયાંથી શોધ્‍યું હશે તેની મને આજ લગી ખબર નથી. તેનો ઇરાદો તો મને માંસ ખાતો કરી મૂકવાનો – મને વટલાવવાનો -? હતો, એટલે પૈસાનું ખર્ચ પોતે કરે. પણ તેની પાસે પણ કંઇ અખૂટ ખજાનો નહોતો. એટલે આવાં ખાણાં કવચિત જ થઇ શકે. 

જયારે જયારે આવું ખાણુ ખાવામાં આવે ત્‍યારે ત્‍યારે ઘેર જમવાનું તો ન બને. માતા જયારે જમવા બોલાવે ત્‍યારે ‘આજે ભૂખ નથી, પચ્‍યુ નથી’ એવાં બહાનાં કાઢવાં પડે. આમ કહેતાં દરેક વેળા મને ભારે આઘાત પહોચતો. આ જૂઠું, તેય માની સામે ! વળી જો માતપિતા જાણે કે દીકરા માંસાહારી થયા છે તો તો તેમના પર વીજળી જ પડે. આ ખ્‍યાલો મારું હ્રદય કોરી ખાતા હતા. તેથી મેં નિશ્ર્ચય કર્યો : ‘માંસ ખાવું આવશ્યક છે; તેનો પ્રચાર કરી હિંદુસ્‍તાનને સુધારશું; પણ માતપિતાને છેતરવાં અને જૂઠું બોલવું એ માંસ ન ખાવા કરતાંયે ખરાબ છે. તેથી માતપિતાના જીવતાં માંસ ન ખવાય. તેમના મૃત્‍યુ પછી સ્‍વતંત્ર થયે ખુલ્‍લી રીતે માંસ ખાવું, ને તે સમય ન આવે ત્‍યાં સુધી માંસાહારનો ત્‍યાગ કરવો. ’ આ નિશ્ર્ચય મેં મિત્રને જણાવી દીધો ને ત્‍યારથી માંસાહાર છૂટયો તે છૂટયો જ. માતપિતાએ તો કદી જાણ્‍યું જ નહીં કે તેમના બે પુત્ર માંસાહાર કરી ચૂકયા હતા. 

માતપિતાને ન છેતરવાના શુભ વિચારને લઇને મેં માંસાહાર છોડયો. પણ પેલી મિત્રતા કંઇ ન છોડી. હું સુધારવા નીકળેલો પોતે જ અભડાયો ને અભડાયાનું મને ભાન સરખું ન રહ્યું. 
તે જ સંગને લઇને હું વ્‍યભિચારમાં પણ પડત. એક વેળા મને આ ભાઇ વેશ્‍યાવાડમાં લઇ ગયા. ત્‍યાં એક બાઇના મકાનમાં મને યોગ્‍ય સૂચનાઓ આપીને મોકલ્‍યો. મારે કંઇ તેને પૈસા વગેરે આપવાના નહોતા. હિસાબ થઇ ચૂકયો હતો. મારે તો માત્ર ગોઠડી કરવાની હતી. 
હું મકાનમાં પુરાયો તો ખરો. પણ જેને ઇશ્ર્વર ઉગારવા ઇચ્‍છે તે પડવા ઇચ્‍છતો છતાં પવિત્ર રહી શકે છે. આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્‍તબ્‍ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્‍સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્‍યો. 
તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્‍યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઇચ્‍છયું. પણ આમ ઊગર્યાને સારું મેં ઇશ્ર્વરનો સદાય પાડ માન્‍યો છે. આવા જ પ્રસંગ મારી જિંદગીમાં બીજા ચાર આવેલા છે. તેમાંના ઘણામાં, મારા પ્રયત્‍ન વિના, સંજોગોને લીધે હું બચ્‍યો છું એમ ગણાય. વિશુદ્ધ દષ્ટિએ તો એ પ્રસંગોમાં હું પડયો જ ગણાઉં. મેં વિષયની ઇચ્‍છા કરી એટલે હું તે કરી ચૂકયો છતાં, લૌકિક દષ્ટિએ, ઇચ્‍છા કર્યા છતાં પ્રત્‍યક્ષ કર્મથી જે બચે છે તેને આપણે બચ્‍યો ગણીએ છીએ. અને હું આ પ્રસંગોમાં એ જ રીતે, એટલે જ અંશે બચ્‍યો ગણાઉં. વળી કેટલાંક કાર્યો એવાં છે કે જે કરવાથી બચવું એ વ્‍યકિતને અને તેના સહવાસમાં આવનારને બહુ લાભદાયી નીવડે છે, અને જયારે વિચારશુદ્ધિ થાય છે ત્‍યારે તે કાર્યમાંથી બચ્‍યાને સારું તે ઇશ્ર્વરનો અનુગ્રહ માને છે. જેમ ન પડવાનો પ્રયત્‍ન કરતો છતો મનુષ્‍ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇચ્‍છતો છતો અનેક સંજોગોને કારણે મનુષ્‍ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. આમાં પુરુષાર્થ કયાં છે. દૈવ કયાં છે, અથવા કયા નિયમોને વશ વર્તીને મનુષ્‍ય છેવટે પડે છે અથવા બચે છે, એ પ્રશ્ર્નો ગુઢ છે. તેનો ઉકેલ આજ લગી થયો નથી અને છેવટનો નિર્ણય થઇ શકશે કે નહીં એ કહેવું કઠિન છે. 
પણ આપણે આગળ ચાલીએ. 

પેલા મિત્રની મિત્રતા અનિષ્‍ટ છે એ વાતનું ભાન મને હજુયે ન થયું. તેમ થાય તે પહેલા મારે હજુ બીજા કડવા અનુભવો લેવાના જ હતા. એ તો જયારે તેનામાં ન ધારેલા દોષોનું મને પ્રત્‍યક્ષ દર્શન થયું ત્‍યારે જ હું કળી શકયો. પણ હું બને ત્‍યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું તેથી બીજા હવે પછી આવશે. એક વસ્‍તુ આ સમયની છે તે કહેવી પડે. અમ દંપતી વચ્‍ચે કેટલોક અંતરાય પડતો અને કંકાસ થતો તેનું કારણ આ મિત્રતા પણ હતું. હું આગળ જણાવી ગયો કે હું પ્રેમી તેવો જ વહેમી પતિ હતો. મારા વહેમમાં વૃદ્ધિ કરનાર આ મિત્રતા હતી, કેમ કે મિત્રની સચ્‍ચાઇ ઉપર મને અવિશ્ર્વાસ જ નહોતો. આ મિત્રની વાતો માનીને મેં મારી ધર્મપત્‍નીને કેટલુંક દુઃખ દીધું છે. તે હિંસાને સારું મેં મને કદી માફી નથી આપી. એવાં દુઃખો હિંદુ સ્‍ત્રી જ સાંખતી હશે. અને તેથી મેં હંમેશા સ્‍ત્રીને સહનશીલતાની મૂર્તિરૂપે કલ્‍પી છે. નોકર ઉપર ખોટો વહેમ જાય ત્‍યારે નોકર નોકરી છોડે, પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે. મિત્ર મિત્ર વચ્‍ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે. સ્‍ત્રી ધણી ઉપર વહેમ લાવે તો તે સમસમીને બેસી રહે. પણ જો પતિ પત્‍નીને વિશે વહેમ લાવે તો પત્‍નીના તો બિચારીના ભોગ જ મળ્યા. તે કયાં જાય ? ઊંચ મનાતા વર્ણની હિંદુ સ્‍ત્રી અદાલતમાં જઇ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્‍યાય તેને સારું રહેલો છે. એવો ન્‍યાય મેં આપ્‍યો તેનું દુઃખ કદી વીસરી શકું તેમ નથી. એ વહેમનો સર્વથા નાશ તો જયારે મને અહિંસાનું સુક્ષ્‍મ જ્ઞાન થયું ત્‍યારે જ થયો. એટલે કે જયારે હું બ્રહ્મચર્યનો મહિમા સમજયો, ને સમજયો કે પત્‍ની પતીની દાસી નથી પણ તેની સહચારિણી છે, સહધર્મિણી છે, બન્‍ને એકબીજાનાં સુખદુઃખનાં સરખાં ભાગીદાર છે, અને જેટલી સ્‍વતંત્રતા સારું નઠારું કરવાની પતિને છે, તેટલી જ સ્‍ત્રીને છે. એ વહેમના કાળને જયાર સંભારું છું ત્‍યારે મને મારી મૂર્ખતા ને વિષયાંધ નિર્દયતા પર ક્રોધ આવે છે, ને મિત્રતાની મારી મૂર્છાને વિશે દયા ઊપજે છે.


૮.ચોરી અને પ્રાયશ્ર્ચિતમાં


ચોરી અને પ્રાયશ્ર્ચિતમાંસાહારના કાળનાં તેમ જ તે પહેલાના કાળના કેટલાક દૂષણોનુ વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વના કે તે પછી તુરતના સમયના છે. 

મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્‍યુ, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવુ લાગેલુ. મારા કાકાને બીડી પીવની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્‍છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે, એટલે કાકા બીડીનાં ઠૂંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. 

પણ ઠૂંઠાં કંઇ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડોયે ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્‍ચે વચ્‍ચે એકાદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંધરવી કયાં એ સવાલ થલ પડયો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહી એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડા અઠવાડીયા ચલાવ્‍યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંળખી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફુંકતા થયા ! 

પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઇ જ ન થાય એ દુઃખ થઇ પડયું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ર્ચય કર્યોં ! 

પણ આપઘાત કઇ રીતે કરવો ? ઝેર કોણ આપે ? અમે સાંભળ્યું કે ધતૂરાના ડોડવાનાં બી ખાઇએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઇ તે મેળવી આવ્‍યા. સંધ્‍યાનો સમય શોધ્‍યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્‍યું, દર્શન કર્યા, ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરત મૃત્‍યુ નહીં થાય તો ? મરીને શો લાભ ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું ? છતાં બેચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બન્‍ને મોતથી ડર્યા, અને રામજીને મંદિર જઇ દર્શન કરી શાંત થઇ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. 

હું સમજયો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. આથી જયારે કોઇ આપઘાત કરવાની ધમકી આપે છે ત્‍યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. 

આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્‍યું કે અમે બન્‍ને એઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઇ ફુંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઇચ્‍છા જ મને કદી નથી થઇ, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનીકારક છે એમ મેં સદાય માન્‍યું છે. બીડીનો આટલો જબરદસ્‍ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શકિત હું કદી મેળવી શકયો નથી. જે આગગાડીમાં ડબામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્‍યાં બેસવું મને ભારે થઇ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઇ જાઉં છું. 

બીડીઓના ઠૂંઠાં ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્‍યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઇના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિ‍યાનું કરજ કર્યુ હતું. એ કેમ પતાવવું એનો અમે બન્‍ને ભાઇ વિચાર કરતા હતા. મારા ભાઇને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્‍કેલ નહોતું. 

કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઇ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ર્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઇએ એમ લાગ્‍યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઇ દિવસ અમને એકે ભાઇને તાડન કર્યુ હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો ? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઇએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્‍યું. 

છેવટે ચિઠ્ઠી લખીને દોક્ષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠી માં બધો દોષ કબૂલ ક‍ર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્‍યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતીજ્ઞા કરી. 

મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા. 

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકયાં. ચિઠ્ઠી ભીંજાઇ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા. 

હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શકયો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. 

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્‍યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્‍યો હોય તે જ જાણે : 
રામબાણ વાગ્‍યાં રે હોય તે જાણે. 

મારે સારુ આ અહિસાનો પદાર્થપાઠ હતો. તે વેળાં તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું. પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકુ છું. આવી અહિંસા જયારે વ્‍યાપક સ્‍વરૂપ પકડે ત્‍યારે તે પોતાના સ્‍પર્શથી કોને અલિપ્‍ત રાખે ? એવી વ્‍યાપક અહિંસાની શકિતનું માપ કાઢવું અશકય છે. 
આવી શાંત ક્ષમા પિતાજીના સ્‍વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે. કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતુ;. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્‍વેચ્‍છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્‍વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ર્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહા પ્રેમ વૃદ્ધિ પામ્‍યો. 


૯. પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી 



આ સમય મારા સોળમા વર્ષનો છે. આપણે આગળ જોઇ ગયા કે પિતાજી ભગંદરની બીમારીથી તદ્દન ખાટલાવશ હતા. તેમની ચાકરીમાં માકૃશ્રી, ઘરનો એક જૂનો નોકર અને હું ઘણે ભાગે રહેતાં. મારું કામ ‘નર્સ’નું હતું. એમનો ઘા ધોવો, તેમાં દવા નાખવી, મલમ લગાડવાના હોય ત્‍યારે લગાડવા, તેમને દવા આપવી અને જયારે ઘેર દવા તૈયાર કરવાની હોય ત્‍યારે તે તૈયાર કરવી, એ મારું ખાસ કામ હતું. રાત્રિએ હંમેશા તેમના પગ ચાપવા અને રજા આપે ત્‍યારે અથવા તો ઊંઘી ગયા હોય ત્‍યારે મારે સૂઇ જવું એવો નિયમ હતો. મને આ સેવા અતિશય પ્રિય હતી. કોઇ દિવસ તેમાંથી હું ચૂકયો હોઉં એવું મને સ્‍મરણ નથી. આ દિવસો હાઇસ્‍કૂલના તો હતા જ, એટલે મારો ખાવાપીવાનો બચતો વખત નિશાળમાં અથવા તો પિતાજીની સેવામાં જ જતો, એમની આજ્ઞા મળે અને એમની તબિયતને અનુકૂળ હોય ત્‍યારે સાંજના ફરવા જતો. 

આ જ વર્ષે પત્‍ની ગર્ભવતી થઇ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઇ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્‍યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્‍યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભકિતનો ધર્મ સમજતો હતો, - તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્‍થાની જ શ્રવણ મારો આદર્શ થઇ રહ્યો હતો, - તે છતાં વિષય મારા ઉપર સવાર થઇ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજી ને પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન શયનગૃહ તરફ દોડયા કરતું, અને તે પણ એવે સમયે કે જયારે સ્‍ત્રીનો સંગ ધર્મશાસ્‍ત્ર, વૈદકશાસ્‍ત્ર અને વ્‍યવહારશાસ્‍ત્ર પ્રમાણે ત્‍યાજય હતો. જયારે મને સેવામાંથી છૂટી મળતી ત્‍યારે હું રાજી થતો અને પિતાશ્રી ને પગે લાગીને સીધો શયનગૃહમાં ચાલ્‍યો જતો. ??? પિતાજીની માંદગી વધતી જતી હતી. વૈદ્યોએ પોતાના લેપ અજમાવ્‍યા, હકીમોએ મલમપટ્ટીઓ અજમાવી, સામાન્‍ય હજામાદિની ઘરગથ્‍થુ દવાઓ પણ કરી; અંગ્રેજ દાકતરે પણ પોતાની અક્કલ અજમાવી. અંગ્રેજ દાકતરે શસ્‍ત્રક્રિયા એ જ ઇલાજ છે એમ સૂચવ્‍યું. કુટુંબના મિત્ર વૈદ્ય વચમાં આવ્‍યા અને એમણે પિતાજીની ઉત્તરાવસ્‍થામાં તેવી શસ્‍ત્રક્રિયા નાપસંદ કરી. અનેક પ્રકારની બાટલીઓ લીધેલી વ્‍યર્થ ગઇ અને શસ્‍ત્રક્રિયા ન થઇ. વૈદ્યરાજ બાહોશ, નામાંકિત હતા. મને લાગે છે કે જો તેમણે શસ્‍ત્રક્રિયા થવા દીધી હોત તો ઘા રુઝાવામાં અડચણ ન આવત. શસ્‍ત્રક્રિયા મુંબઇના તે સમયના પ્રખ્‍યાત સર્જન મારફત થવાની હતી. પણ અંત નજીક આવ્‍યો હતો એટલે યોગ્‍ય પગલું શાનું ભરાય ? પિતાશ્રી મુંબઇથી શસ્‍ત્રક્રિયા કરાવ્‍યા વિના અને તેને અંગે ખરીદેલો સામાન સાથે લઇને પાછા ફર્યા. તેમણે વધુ જીવવાની આશા છોડી દીધી. નબળાઇ વધતી ગઇ અને દરેક ક્રિયા બિછાનામાં જ કરવી પડે એ સ્થિતિ આવી પહોંચી, પણ છેવટે લગી તેમણે એમ કરવાનો વિરોધ જ કર્યો, અને પરિશ્રમ ઉઠાવવાનો આગ્રહ રાખ્‍યો. વૈષ્‍ણવધર્મનું એ આકરું શાસન છે. બાહ્ય શુદ્ધિ અતિ આવશ્‍યક છે, પણ પાશ્ર્ચાત્‍ય વૈદ્યકશાસ્‍ત્રે શીખવ્‍યું છે કે, મળત્‍યાગાદિનસ તથા સ્‍નાનાદિની બધી ક્રિયાઓ બિછાને પડયાં પડયાં પણ સંપૂર્ણ સ્‍વચ્‍છતાથી થઇ શકે છે, ને રોગીને કષ્‍ટ ઉઠાવવું પડતું નથી; જયારે જુઓ ત્‍યારે તેનું બિછાનું સ્‍વચ્‍છ જ હોય. આમ સચવાયેલી સ્‍વચ્‍છતાને હું તો વૈષ્‍ણવધર્મને નામે જ ઓળખું. પણ આ સમયે પિતાજીનો સ્‍નાનાદિનો સારુ બિછાનાનો ત્‍યાગ કરવાનો આગ્રહ જોઇ હું તો આશ્ર્ચર્યચકિત જ થતો અને મનમાં તેમની સ્‍તુતિ કર્યા કરતો. 

અવસાનની ઘોર રાત્રિ નજીક આવી. આ વખતે મારા કાકાશ્રી રાજકોટમાં હતા. મને કંઇક એવું સ્‍મરણ છે કે પિતાશ્રીની માંદગી વધતી જાય છે એવા સમાચાર મળવાથી જ તેઓ આવેલા. બન્‍ને ભાઇઓની વચ્‍ચે ગાઢ પ્રેમભાવ વર્તાતો હતો. કાકાશ્રી આખો દિવસ પિતાશ્રીના બિછાનાની પાસે જ બેસી રહે અને અમને બધાને સૂવાની રજા આપી પોતે પિતાશ્રીના બિછાનાની પાસે સૂએ. કોઇને એવું તો હતું જ નહીં કે આ રાત્રિ આખરની નીવડશે. ભય તો સદાય રહ્યા કરતો હતો. રાતના સાડાદસ કે અગિયાર થયા હશે. હું પગચંપી કરી રહ્યો હતો. કાકાશ્રીએ મને કહ્યું, ‘તું જા, હવે હું બેસીશ. ’ હું રાજી થયો ને સીધો શયનગૃહમાં ગયો. સ્‍ત્રી તો બિચારી ભરઊંઘમાં હતી. પણ હું શાનો સૂવા દઉં ? મેં જગાડી. પાંચસાત મિનિટ થઇ હશે. તેટલામાં જે નોકરને વિશે હું લખી ગયો તેણે કમાડ ઠોકયું. મને ફાળ પડી. હું ચમકયો. ‘ઊઠ, બાપુ બહુ બિમાર છે, ’ એમ નોકરે કહ્યું. બહુ બીમાર તો હતા જ એ હું જાણતો હતો, એટલે અહીં ‘બહુ બીમાર’ નો વિશેષ અર્થ હું સમજી ગયો. બિછાનામાંથી એકદમ કૂદી પડયો. 


‘શું છે કહે તો ખરો ? ’ 

‘બાપુ ગુજરી ગયા ! ’ જવાબ મળ્યો. 

હવે હું પશ્ર્ચાતાપ કરું એ શું કામ આવે ? હું બહુ શરમાયો, બહુ દુઃખી થયો. પિતાશ્રીની ઓરડીમાં દોડી ગયો. હું સમજયો કે જો હું વિષયાંધ ન હોત તો આ છેવટની ઘડીએ મારે નસીબે વિયોગ ન હોત, અને હું પિતાજીની અંતની ઘડીએ પગચંપી કરતો હોત. હવે તો મારે કાકાશ્રીને મુખથી જ સાંભળવું રહ્યું : ‘બાપુ તો આપણને મૂકીને ચાલ્‍યા ગયા. ’ પોતાના વડીલ ભાઇના પરમ ભકત કાકા છેવટની સેવાનું માન લઇ ગયા. પિતાશ્રીને પોતાના અવસાનની આગાહી થઇ ચૂકી હતી. તેમણે સાન કરીને લખવાની સામગ્રી માગેલી. કાગળમાં તેમણે લખ્‍યું : ‘તૈયારી કરો. ’ આટલું લખીને પોતાને હાથે માદળિયું બાંધેલું હતું તે તોડીને ફેકયું. સોનાની કંઠી હતી તે પણ તોડીને ફેંકી. એક ક્ષણમાં આત્‍મા ઊડી ગયો. 

મારી જે શરમનો ઇશારો મેં આગલા પ્રકરણમાં કરેલો છે તે આ શરમ, - સેવાને સમયે પણ વિષયેચ્‍છા. એ કાળો ડાઘ હું આજ સુધી ઘસી શકયો નથી, ભૂલી શકયો નથી. અને મેં હંમેશાં માન્‍યું છે કે જોકે માતપિતા પ્રત્‍યેની મારી ભકિત પાર વિનાની હતી, તેને સારું હું બધું છોડી શકતો, પણ તે સેવાને સમયે સુધ્‍ધાં મારું મન વિષયને છોડી શકતું નહોતું એ, તે સેવામાં રહેલી અક્ષમ્‍ય ઊણપ હતી. તેથી જ મેં મને એકપત્‍નીવ્રતનો પાળનાર માનવા છતાં વિષયાંધ માનેલો છે. એમાંથી છૂટતાં મને ઘણો સમય ગયો, અને છૂટતા પહેલાં ઘણાં ધર્મસંકટો વેઠવા પડયાં. 

આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્‍નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્ર્વાસ લઇને ચાલ્‍યું ગયું. બીજું પરિણામ શું હોઇ શકે ? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દષ્‍ટાંતથી ચેતો. 


૧૦. ધર્મની ઝાંખીછ કે સાત વર્ષથી માંડીને


હવે સોળ વર્ષનો થયો ત્‍યાં સુધી અભ્‍યાસ કર્યો, પણ કયાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્‍યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઇક ને કંઇક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઇએ. ધર્મ એટલે આત્‍મભાન, આત્‍મજ્ઞાન. 

મારો જન્‍મ વૈષ્‍ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્‍પન્‍ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્‍યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઇ ગયું. ત્‍યાંથી મને કંઇ જ ન મળ્યું. 

પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્‍યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટકયો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોદ્ય શકિત છે, તેનું કારણ હું રંભાબાઇએ રોપેલું બીજ ગણું છું. 

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભકત હતા તેમણે અમ બે ભાઇઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્‍નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્‍યાં લગી તો આ નભ્‍યું. રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઇ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ધા નહોતી. પેલા વડીલ ભાઇના પ્રત્‍યે માન હતું તેથી અને કંઇક રામરક્ષા શુદ્ધ ઉચ્‍ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો. 

પણ જે વસ્‍તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભકત, બીલેશ્ર્વરના લાધા મહારાજ કરીને હતા. તેમને વિશે એક કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો તેની દવા કરવાને બદલે તેમણે બીલેશ્ર્વરનાં બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઊતરતાં તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્‍યાં ને કેવળ રામનામનો જાપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરીહો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જયારે કથાનો આરંભ કર્યો ત્‍યારે તેમનું શરીર તદ્દન નીરોગી હતું. લાધા મહારાજે જયારે કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઇ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઇ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણ – શ્રવણ મારા રામાયણ પરના અત્‍યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભકિતમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું. 

થોડા માસ પછી અમે રાજકોટમાં આવ્‍યા. ત્‍યાં આવું વાચન નહોતું. એકાદશીને દિવસે ભાગવત વંચાય ખરું. તેમાં કોઇ વેળા હું બેસતો, પણ ભટજી રસ ઉત્‍પન્‍ન નહોતા કરી શકયા. આજે હું જોઇ શકું છું કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મરસ ઉત્‍પન્‍ન કરી શકાય. મેં તો તે ગુજરાતીમાં અતિ રસથી વાંચ્યો છે. પણ મારા એકવીસ દિવસના ઉપવાસમાં ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાજીને શુભ મુખેથી મૂળ સંસ્‍કૃતના કેટલાક ભાગો સાંભળ્યા ત્‍યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભગવદભકતને મોઢેથી સાંભળત તો તેના ઉપર પણ મારી ગાઢ પ્રીતિ બચપણમાં જ જામત. તે વયમાં પડેલા શુભ-અશુભ સંસ્‍કારો બહુ ઊંડાં મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે. 

રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ મળી. હિંદુ ધર્મના પ્રત્‍યેક સંપ્રદાય પ્રત્‍યે આદરભાવ શીખ્‍યો, કેમ કે માતપિતા હવેલીએ જાય, શિવાલયમાં જાય અને રામમંદિર પણ જાય અને અમને ભાઇઓને લઇ જાય અથવા મોકલે. 

વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઇ હંમેશા આવે. પિતાજી તેમને વહોરાવે પણ ખરા. તેઓ પિતાજી સાથે ધર્મની તેમ જ વ્‍યવહારની વાતો કરે. ઉપરાંત, પિતાજીને મુસલમાન અને પારસી મિત્રો હતા તે પોતપોતાના ધર્મની વાતો કરે અને પિતાજી તેમની વાતો માનપૂર્વક અને ઘણી વેળા રસપૂર્વક સાંભળે. આવા વાર્તાલાપો વખતે હું ‘નર્સ’ હોવાથી ઘણી વેળા હાજર હોઉં. આ બધા વાતાવરણની અસર મારા ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો. 

ખ્રિસ્‍તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્‍યે કંઇક અભાવ થયો. તે કાળે હાઇસ્‍કૂલને ખૂણે કોઇ ખ્રિસ્‍તી વ્‍યાખ્‍યાન આપતા. તે હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મીઓની બગદોઇ કરતા. આ મને અસહ્ય લાગ્‍યું. હું એકાદ જ વખત એ વ્‍યાખ્‍યાન સાંભળવા ઊભો હોઇશ, પણ બીજી વખત ત્‍યાં ઊભવાનું મન જ ન થયું. એ જ સમયે એક જાણીતા હિંદુ ખ્રિસ્‍તી થયાનું સાંભળ્યું. ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્‍તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો ત્‍યારે ગોમાંસ ખવડાવવામાં આવ્‍યું ને દારૂ પીવડાવવામાં આવ્‍યો. તેનો પોશાક પણ બદલાવવામાં આવ્‍યો, ને તે ભાઇ ખ્રિસ્‍તી થયા પછી કોટ, પાટલૂન ને અંગ્રેજી ટોપી પહેરતા થયા. આ વાતોમાંથી મને ત્રાસ પેદા થયો. જે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય ? આવી દલીલ મારા મને કરી. વળી જે ભાઇ ખ્રિસ્‍તી થયા હતા તેણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિદાં શરુ કર્યાનું સાંભળવામાં આવ્‍યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્‍તી ધર્મ પ્રત્‍યે અભાવ પેદા થયો. 

આમ જોકે બીજા ધર્મો પ્રત્‍યે સમભાવ આવ્‍યો, છતાં મને કંઇ ઇશ્ર્વર પ્રત્‍યે આસ્‍થા હતી એમ ન કહી શકાય. આ વખતે મારા પિતાજીના પુસ્‍તકસંગ્રહમાંથી મનુસ્‍મૃતિનું ભાષાંતર હાથ આવ્‍યું. તેમાં જગતની ઉત્પત્તિ વગેરેની વાતો વાંચી. તેના પર શ્રદ્ધા ન બેઠી. ઊલટી કંઇક નાસ્તિકતા આવી. મારા બીજા કાકાના દીકરા જે હાલ હયાત છે તેમની બુદ્ધિ ઉપર મને વિશ્ર્વાસ હતો. તેમની પાસે મેં મારી શંકાઓ રજૂ કરી. પણ તે મારું સમાધાન ન કરી શકયા. તેમણે મને ઉત્તર આપ્‍યો : ‘ઉંમરે પહોંચતાં આવા પ્રશ્ર્નો તું તારી મેળે ઉકેલતાં શીખશે. એવા પ્રશ્ર્નો બાળકોએ ન કરવા ઘટે. ’ હું ચુપ રહ્યો. મનને શાંતિ ન થઇ. મનુસ્‍મૃતિના ખાદ્યાખાદ્યના પ્રકરણમાં અને બીજાં પ્રકરણોમાં અને બીજાં પ્રકરણોમાં પણ મેં ચાલુ પ્રથાનો વિરોધ જોયો. આ શંકાનો ઉત્તર પણ મને લગભગ ઉપરના જેવો જ મળ્યો. ‘કોક દિવસ બુદ્ધિ ખૂલશે. વધારે વાંચીશ ને સમજીશ’ એમ વિચારી મન વાળ્યું. 

મનુસ્‍મૃતિ વાંચી હું એ વેળાએ અહિંસા તો ન જ શીખ્‍યો. માંસાહારની વાત તો આવી ગઇ. તેને તો મનુસ્‍મૃતિનો ટેકો મળ્યો. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્‍યું. એ સમયે ધર્મ ગણી માંકડ આદિનો નાશ કર્યાનું મને સ્‍મરણ છે. 

પણ એક વસ્‍તુએ જડ ઘાલી – આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્‍યમાં છે. સત્‍ય તો શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્‍યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો. સત્‍યની વ્‍યાખ્‍યા વિસ્‍તાર પામતી ગઇ અને હજુ પામતી રહી છે. 

વળી એક નીતિનો છપ્‍પો પણ હ્રદયમાં ચોટયો. અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઇ શકે એ વસ્‍તુ જિંદગીનું સૂત્ર બની ગઇ. તેણે મારી ઉપર સામ્રાજય ચલાવવું શરૂ કર્યું. અપકારીનું ભલું ઇચ્‍છવું ને કરવું એ મારો અનુરાગ થઇ પડયો. તેના અગણિત અખતરાઓ આદર્યા. 

આ રહ્યો એ ચમત્‍કારી છપ્‍પો : 

પાણી આપેન પાય, ભલું ભોજન તો દીજે; 

આવી નમાવે શીશ, દંડવત કોડે કીજ. 

આપણ ઘાસે દામ, કામ મહોરોનું કરીએ ; 

આપ ઉગામે પ્રાણ, તે તણા દુ:ખમાં મરીએ. 

ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી; 

અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્‍યો સહી.