બાળગીતો

ઢીંગલી મેં તો બનાવી મજાની - બાળગીત 

ઢીંગલી મેં તો બનાવી મજાની,
તૈયાર એને હવે કરવાની,

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,
મોતીની માળા ને બંગડી ઘડી દો,

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ લાલ મખમલની મોજડી સીવી દો,

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,
બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,



યાદ આવે માના મીઠા બોલ..

Created by- Suthar Sureshkumar R 


યાદ આવે માના મીઠા બોલ,
કરતો રોજ ફરિયાદ તને,
તોય તું તો મીઠી ઢેલ..યાદ આવે માના મીઠા બોલ
સાગર જેઓ ખોળો જેનો,
માખણ જેવી કુણી મા,
કોયલ થઈ એ ટહુંકી ઉઠે .યાદ આવે માના મીઠા બોલ
કોઈ કરે ફરિયાદ મારી,
ના સાંભળે એના બોલ,
ભેટી પડી એ વહાલ કરે…યાદ આવે માના મીઠા બોલ..
હૈયું એનું હળવું ફુલ,
મનનો માળો સુંદર સુંદર,
મંદીરમાં તું એક જ દેવી..યાદ આવે માના મીઠા બોલ

મને મારૂં બચપણ યાદ આવ



મને મારૂં બચપણ યાદ આવે,
યાદ કરૂ, થોડું રડવું આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મનભરી થોડું થોડું હસાવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મોઈ-દાડ્ડીયા આજ યાદ આવે!
મને મારૂં બચપણ યાદ આવે,
મહેંકતી મારી વાડી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
વરસાદની વાછટ યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
રીસાઈને છુપાતા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
પથારી ભીંજાતી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મા જાગતી રાત યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
દાદીમાની વાર્તા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
ભુલાયેલું બચપણ યાદ આવે.

મા…મા… દિવાળી આવી..



મા…મા… દિવાળી આવી,
નવા નવા કપલા સીવલાવજે..ઓ..મા…દિવાળી આવી..
માલે ખાવા છે ઘાલી ને ઘુઘલા…ઓ..મા…દિવાળી આવી..
માલે દોરવી સે ગમટી રંગોળી. ઓ..મા…દિવાળી આવી
કોદીયામાં તેલ પુરી કલવા છે દિવા..ઓ..મા…દિવાળી આવી
ફટાકલા લાવજે..ફૂલજલી લાવજે..ઓ..મા…દિવાળી આવી..
ગલમ ગલમ ગોટા ખાવા સે મારે..ઓ..મા…દિવાળી આવી
કપાલે કંકુનો ચાંદલો કરજે તું…ઓ..મા…દિવાળી આવી..
વેલો ઉઠી..પેલા પગે લાગીશ તને..ઓ..મા…દિવાળી આવી..

બાળની મસ્તી મને ગમે છે



બાળની મસ્તી મને ગમે છે,
નિર્દોષ એની ગમત મને ગમેછે..બાળની મસ્તી…
લડે-ઝગડે ફરી ભેગા મળે,
દાવપેચ વગરની વાત મને ગમે છે..બાળની મસ્તી…
હસીને હસાવે,રડી મા ને રડાવે,
બાળનો નિખાલસ ચહેરો મને ગમે છે..બાળની મસ્તી…
મા ની ગોદમા ખેલતુ સુંદર બાળ,
આવું રમણિય દ્રશ્ય મને ગમે છે…બાળની મસ્તી…
પા પા પગલું ભરી રમતુ બાળ,
પડીને ઊભુ થતું બાળ મને ગમેછે..બાળની મસ્તી…
કાલા ઘેલા બોલ બોલતું સતત,
મા ને સમજાવતુ બાળ મને ગમે છે..બાળની મસ્તી…
બાળ સાથે બાળક બની રમવુ ગમે,
ખુદ હારીને ખુશ થાવુ મને ગમે છે..બાળની મસ્તી…

બની પતંગ..


બની પતંગ ઉડુ આકાશમા,
મા, મારો દોર જાલ તુ.
વાદળ સાથે વાતો કરુ,
દૂર દૂર આકાશમા નિહાળ તુ.
રંગ બેરંગી ઉડતા પંતગો,
સાથ વાતો કરતા જો તુ.
દિવસભર ઉડુ આભમા,
સાંજ પડે, ધીરે ધીરે ઉતાર તુ.

મને મળી ગયું બાળપણ બાગમાં



વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,
પવન લહેરાય છે બાગમાં.
ફૂલો મહેંકતા અભિવાદન કરે,
રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.
કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,
નાચે મોર કળાકરી ખુશ બાગમાં.
ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,
પક્ષીગણ ગીત ગાતા બાગમાં.
નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,
બાળ છબછબીયા કરતાં બાગમાં,
સુરજ નીચે નમી કરે ડોકિયું,
મને મળી ગયું બાળપણ બાગમાં.

મા મને સાગર કિનારે લઈ જા…



મા મને સાગર કિનારે લઈ જા.
મોજાની મસ્તી માણવી છે મારે,
કિનારે બેસી રેતમાં ઘર બનાવું છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.
પાણીમાં છબ છબીયા કરવા છે મારે,
લહેરાતા પવનમાં કાઈટ ઉડાવી છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.
ચી,ચી કરતાં સિગુલને ખવડાવવું છે મારે,
છીપલા વીણી વીણી ઘર લાવવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
ફેલકનની લાંબી ચાચો નિહાળવી છે મારે,
રંગ-બેરંગી ફીશને પકડવી છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
છીપલાઓ જાત જાતના ભેગાં કરવા છે મારે,
બૉટમાં બેસીને હલેસા મારવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
દિવસ આખો રહીને પિકનિક માણવી છે મારે,
સાંજે કિનારે બેસી સૂર્યને ડુબતો જોવો છે મારે,મા મને સાગર કિનારે લઈ જા.

રીંછ એકલું ફરવા ચાલ્યું



રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:
”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
“ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.”
ખાવા જાતા રાણાજીએ પાડી બૂમેબૂમ!
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
-રમણલાલ સોની

When I born, I black..


Best poem of 2008, written by An African kid:…….ભાવાનુવાદ…ગુજરાતીમાં
When I born, I black………………………….પારણે ઝુલ્યો હું કાળો કાનજી બની,
When I grow up, I black……………………….ઉછર્યો કાળો હું કાનજી રહી,
When I go in d sun, I black……………………સૂર્યની છત તળે રહ્યો કાળો કાનજી,
When I cold, I black………………………….શિશકતી ટાઢમાં રહ્યો હું કાળો માનવી,
…When I scared, I black……………………..ભય વચ્ચે રહ્યો હું કાળો રહી..
When I sick, I black………………………….માંદગીને બિછાને હું હતો કાળો
When I die, I still black……………………..મૃત્યું ટાણે હું હઈશ કાળો! જેવો આજ પણ…
& u white fellow;…………………………….આપ ધોળી ચામડીના માનવી!
When u born, u pink…………………………..પારણે ઝુલતા રહ્યા ગુલાબી,
When u grow up, u white……………………….ઉછેર ટાણે કહેવાયા ધોળી ચામડીના માનવી!
When u out in sun,u red……………………….સુર્યના કિરણે બદલ્યા લાલચોળ માનવી,
When u cold, u blue…………………………..ને ઠંડી આવી..થઈ ગયાં ભુરા..ભુરા!
When u scared, u yellow……………………….ભય વચ્ચે…પીળા પીળા પાંદડા જેવા,
When u sick,u green…………………………..માંદગી બિછાને થઈ ગયાં લીલા છમ!
When u die,u grey…………………………….મૃત્યું ટાણે ઓઢ્યો આકાશી રંગ!
& u call me Coloured………………………….ને..અમને ક્યાં કહો.બેરંગી કાળા રંગના?

એકડો સાવ સળેખડો

Created by- Suthar Sureshkumar R 
one_love_com02-2

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ

માના ગુણ

Created by- Suthar Sureshkumar R 
beach

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
-દલપતરામ

અમારા છે.

Created by- Suthar Sureshkumar R 
વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.
એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.
સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.
અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.
સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.

કોઇ ભણવાને આવજો!!

Created by- Suthar Sureshkumar R 
મેં તો ખોલી છે, સત્સંગ શાળા રે,
કોઇ ભણવાને આવજો.
સમજુ ચતુરને શાણા રે,
કોઇ ભણવાને આવજો.
એકડો ધુંટો તમે રામ નામનો,
બગડો બળભદ્ર બાળા રે,
કોઇ ભણવાને આવજો.
તગડો ઘુંટો તમે ત્રીભુવન રાયનો,
ચોગડો શંકર ભોળો રે
કોઇ ભણવાને આવજો.
પાચડો શંકર ભોળો રે,
છઠ્ઠે ચતુર્ભુજ શાણા રે,
કોઇ ભણવાને આવજો.
સાતડો ઘુંટો તમે સદગુરૂ દેવનો,
આઠડો કૃષ્ણજી કાળા રે,
કોઇ ભણવાને આવજો.
નવડો ઘુંટો તમે સતસંગ ભગવાનનો રે
દશમે દિગપાળા રે,
કોઇ ભણવાને આવજો.
કવિ-અજ્ઞાત

રજા પડી..

Created by- Suthar Sureshkumar R 
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.
મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.
જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.
દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.
રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.

કીડી, બગલો અને હાથી..

Created by- Suthar Sureshkumar R 
એક હતો બગલો
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બંદા વકીલ હીરો છે,
હાથીડો તો ઝીરો છે,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પોલીસને બોલાવું છું
જેલમાં પુરાવું છું
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બોલો વાત એવી થી,
પછી જોવા જેવી થઈ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
વાત સુણી ગુસ્સે થયો,
હાથી બગલા કને ગયો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
સૂંઢથી ઊંચે પહોચાડયો,
ધડમ દઈને પછાડ્યો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બોલ્યો : બાપરે!
ખાધી મેં તૂ થાપ રે!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કીડી, કીડી મારું માન,
કરી લે તું સમાધાન,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
એકડા પછી બગડો,
હાથીડો છે તગડો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બળીયા સામે પડીએ નહીં,
ખાલી ખોટા લડીએ નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી ભૈ નાં જોઈ રુપ,
કીડી ભાગી ગુપચુપ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પૂંઠે ભાગ્યો બગલો
ફેંકી દઈ ને ડગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
-રમેશ ત્રિવેદી

દરિયા દેવ..

Created by- Suthar Sureshkumar R 
birds1

પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી
સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી
ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી
કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની
માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે
નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે
સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે
હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે
રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ
ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ
રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ
શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ
સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં
અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા
શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી
હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી
રમેશ પટેલ(આકાશદીપ)

અન્યોક્તિ-દલપતરામ
Created by- Suthar Sureshkumar R 


ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”

ગાય
Created by- Suthar Sureshkumar R 


કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય
ચાર પગ ને આંચળ ચાર
વાંછરડા પર હેત અપાર
પાછળ પુંછડા પર છે વાળ
તેથી કરે શરીર સંભાળ
કાન શિંગ,બે મોટી આંખ
પૂંછડાથી ઊડાડે માખ
નરમ રુવાંટી લિસ્સું અંગ
ગેલ કરે વાંછરડા સંગ
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.
-ધીરજ

બાળગીત-ખુશી

Created by- Suthar Sureshkumar R 
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

Created by- Suthar Sureshkumar R 



મામાનું ઘર કેટલે

દીવા બળે એટલે

દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-

અડકો દડકો

દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-

હાથીભાઈ તો જાડા

લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-

વારતા રે વારતા

ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-

મેં એક બિલાડી પાળી છે

તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય



ઘી તો ચપ ચપ ચાટી જાય

તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-

એક બિલાડી જાડી

તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો


તમે આવજો મારે ગામ (બાળગીત)

માલવભાઈ તમે આવજો મારે ગામ,
તમે ને હું ભેગા મળી કરશું ઘણા કામ.
ઘર વાળશું,
શેરી વાળશું,
વાળશું પૂરું ગામ……………..તમે ને હું
છોડ વાવશું,
વૃક્ષો વાવશું,
વાવશું કેરી આંબા……………તમે ને હું
હોજ ખોદશું,
કૂવો ખોદશું,
ખોદશું પૂરું તળાવ……………તમે ને હું
પાર્થવ ભણશે,
ધર્મેશ ભણશે,
ભણશે પૂરું ગામ……………..તમે ને હું
માલવભાઈ તમે આવજો મારે ગામ,
તમે ને હું ભેગા મળી કરશું ઘણા કામ.




Created by- Suthar Sureshkumar R 

દીકરીના દેશમાં આવજો હો દાદા

દીકરીના દેશમાં આવજો હો દાદા,
દીકરીના વેશ તમે જોજો હો દાદા…………દીકરીના દેશમાં
નાના હતા ત્યારે આંગણામાં રમતાં,
હૈયાના હીંચકે અમને ઝૂલાવતાં………….દીકરીના દેશમાં
ઠેસ વાગે ને અમે પડી રે જાતાં,
દોડીને તમે કેવા પાસે રે આવતાં…………દીકરીના દેશમાં
રિસાઈને ત્યારે અમે ચાલ્યા રે જાતાં,
પકડીને તમે અમને ખોળામાં બેસાડતાં…..દીકરીના દેશમાં
તમારી પાસે અમે નીતનવું માંગતા,
ગમે ત્યાંથી તમે ઝટ લઈ આવતાં…………દીકરીના દેશમાં
માંગણી અમારી તમે પૂરી રે કરતાં,
આનંદથી આપણે સૌ ઝૂમી રે ઊઠતાં……..દીકરીના દેશમાં
દીકરીના દેશમાં આવજો હો દાદા,
દીકરીના વેશ તમે જોજો હો દાદા…………દીકરીના દેશમાં


Created by- Suthar Sureshkumar R 

મોંઘેરા મહેમાન (સ્વાગત ગીત)

મોંઘેરા મહેમાન તમે આંગણે આવો રે,
તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………… મોંઘેરા મહેમાન
ગંગાના જળથી અમે મારગ ધોઈએ રે,
ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે…………. મોંઘેરા મહેમાન
સાથિયા પૂરાવી અમે દીવા કરીએ રે,
પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે…………. મોંઘેરા મહેમાન
ભાલે કંકુ ચોખાનું તિલક કરીએ રે,
ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે…………… મોંઘેરા મહેમાન
ફૂલોની મઘમઘતી માળા આજ પહેરાવીએ રે,
કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે……….. મોંઘેરા મહેમાન


Created by- Suthar Sureshkumar R 

અમારા ઢીંગલીબેન

અમારા ઢીંગલીબેન છે નાના,
એ તો દોરે મજાના ખાના,
એને એકડો બગડો ન આવડે,
એને ઘરે આવી શીખવાડો.
ઓ મોરલિયા તમે ઘરે રે આવો,
ટહુકા કરી એને શીખવાડો,
એક ટહુકે એકડો લખવાનો,
બે ટહુકે બગડો લખવાનો.
ઓ સસલાભાઈ તમે ઘરે રે આવો,
કૂદકા મારી એને શીખવાડો,
એક કૂદકે એકડો લખવાનો,
બે કૂદકે બગડો લખવાનો.
ઢીંગલીબેન તો શીખી ગયા બગડો,
સમય મળે તો આવજો કાગડાભાઈ,
ઘરે રે આવી એને શીખવાડો,
હવે એને શીખવો તગડો ને ચોગડો.


Created by- Suthar Sureshkumar R 

પ્રકૃતિના તત્વો

આ પ્રકૃતિના તત્વો શું રે શીખવે છે,
સાંભળો સૌ લોકો આજ ધ્યાન દઈને.
આ સરોવર આપણને શું રે શીખવે છે,
દાન દેવાથી કાંઈ ઓછું થવાનું નથી.
આ સૂરજ આપણને શું રે શીખવે છે,
અતિ ઉગ્ર બનશો તો સામે કોઈ નહિ જુએ.
આ વાદળ આપણને શું રે શીખવે છે,
મારી જેમ બીજા પર વરસી જાઓ તમે.
આ વૃક્ષ આપણને શું રે શીખવે છે,
કાયાને કષ્ટ આપી શરણાગતને શાંતિ આપો.
આ બીજ આપણને શું રે શીખવે છે,
પૃથ્વીના પડને ચીરીને બહાર આવો.
આ દરિયો આપણને શું રે શીખવે છે,
મારી જેમ સારા-ખરાબ તત્વો સમાવો તમે.


Created by- Suthar Sureshkumar R 

આકાશમાં ઊડવાની કેવી મજા

આકાશમાં ઊડવાની કેવી મજા,
કેવી મજા ભાઈ કેવી મજા,
આકાશમાં ઊડવાની કેવી મજા.
આકાશમાં તો મેદનીનો અંત છે,
આકાશમાં તો ભેરુનો સંગાથ છે,
સંગાથે ઊડવાની કેવી મજા,
કેવી મજા ભાઈ કેવી મજા,
આકાશમાં ઊડવાની કેવી મજા.
આકાશમાંથી ડૂબકી મારવાની,
આકાશમાં તો તરતા શીખવાનું,
તરતા શીખવાની કેવી મજા,
કેવી મજા ભાઈ કેવી મજા,
આકાશમાં ઊડવાની કેવી મજા.
આકાશમાં તો ઊંચે ઊંચે ઊડીએ,
ઊંચે ઊડીને તાકાત માપીએ,
તાકાત માપવાની કેવી મજા,
કેવી મજા ભાઈ કેવી મજા,
આકાશમાં ઊડવાની કેવી મજા.
નિર્બળ જે હોય તે ભલે રહે નીચે,
બાળુડા આજ તમે પાંખો પટપટાવો,
પાંખો પટપટાવવાની કેવી મજા,
કેવી મજા ભાઈ કેવી મજા,
આકાશમાં ઊડવાની કેવી મજા.


Created by- Suthar Sureshkumar R 

સાદ કરે છે

પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે,
                          સાદ કરે છે, સાદ કરે છે,
પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે.
પેલા વનની વનરાઈ તમને સાદ કરે છે,
પેલા વનની વનલતા તમને સાદ કરે છે,
                          સાદ કરે છે, સાદ કરે છે,
પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે.
પેલા વડની વડવાઈ તમને સાદ કરે છે,
પેલા પીપળના પાન તમને સાદ કરે છે,
                          સાદ કરે છે, સાદ કરે છે,
પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે.
પેલા મોરના ટહુકા તમને સાદ કરે છે,
પેલી કોયલનું કૂજન તમને સાદ કરે છે,
                          સાદ કરે છે, સાદ કરે છે,
પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે.
પેલા ગાયોના ગોવાળ તમને સાદ કરે છે,
પેલો વડભેરુ રમવા તમને સાદ કરે છે,
                          સાદ કરે છે, સાદ કરે છે,
પેલા વનવગડાના મારગ તમને સાદ કરે છે.


Created by- Suthar Sureshkumar R 

દીકરી વળાવવાનો સમય

દીકરી વળાવવાનો સમય આવ્યો,
ઢોલીએ ઢોલ ઢબકાવ્યા રે.
દીકરી ગણેશજીને નમન કરી,
માતપિતાને મળવા ચાલી રે.
માતા રોવે ને દીકરી પણ રોવે,
આજ રોવે છે પિતા પહેલીવાર રે.
માતપિતાના આશીર્વાદ મેળવી,
ભીંતે કંકુના થાપા માર્યા રે.
દીકરીએ સાત ફેરા જે માંડવે ફર્યા,
એમાં તે સૂપડું ઉલાળી ચાલ્યાં રે.
સગાંવહાલાંને ભેટીને દીકરીએ,
પતિ સંગાથે પગરણ માંડયા રે.
પાદર સુધી સૌ વળાવવા આવ્યાં,
દીકરીને સૌએ આશિષ આપ્યાં રે.


Created by- Suthar Sureshkumar R 

ચાલો નિશાળે જઈએ

ચાલો નિશાળે જઈએ ચાલો નિશાળે,
નિશાળમાં તો મજામજા ભાઈ મજામજા.
આવો માલવભાઈ ચાલો નિશાળે,
આવો રિદ્ધિબેન ચાલો નિશાળે,
એ સૌ આવ્યા એ ચાલ્યા.
ચાલો નિશાળે જઈએ ચાલો નિશાળે,
નિશાળમાં તો મજામજા ભાઈ મજામજા.
પ્રાર્થનામાં શાંતિ મળે,
બાલસભામાં બોલવા મળે,
એ સૌ શાંત એ બોલ્યા.
ચાલો નિશાળે જઈએ ચાલો નિશાળે,
નિશાળમાં તો મજામજા ભાઈ મજામજા.
ભણવાની તો આવે મજા,
રમવાની તો આવે મજા,
એ સૌ ભણ્યાં એ રમ્યાં.
ચાલો નિશાળે જઈએ ચાલો નિશાળે,
નિશાળમાં તો મજામજા ભાઈ મજામજા.


Created by- Suthar Sureshkumar R 

ઢીંગલી માંદી પડી

માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.
ખાટલામાં સૂવું એને ગમતું નથી,
સખી સાથે રમવા જવાતું નથી.
માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.
દવા તો પીવી એને ગમતી નથી,
ઈન્જેક્ષન લેવા એને ગમતાં નથી.
માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.
ભેળપૂરી ને આઈસક્રીમ ખવાતો નથી,
થમ્સઅપ તો બિલકુલ પીવાતી નથી.
માંદી પડી માંદી પડી આજ મારી ઢીંગલી માંદી પડી,
એવી રડી એવી રડી આંખમાંથી મોતી ઝરે એવી રડી.


Created by- Suthar Sureshkumar R 

નૂતનવર્ષના પ્રભાતે

નૂતનવર્ષના આ મંગળપ્રભાતે,
સાજણ ચાલને કરીએ નવલાં વધામણાં.
વર્ષ દરમિયાનના વેર-ઝેર ભૂલી જઈએ,
સાજણ ચાલને દુ:ખ વાવી, સુખ લણીએ.
ભેગું કર્યું કોના માટે આટલું બધું,
સાજણ ચાલને સુખ વહેંચીએ ચારેકોર.
પાઠવે જે પ્રેમથી આપણને નૂતન સંદેશ,
સાજણ ચાલને તેના ઉરમાં ડૂબકી મારીએ.
એકલા જ હસ્યા ને એકલા જ રડયા,
સાજણ ચાલને સહુના થઇને રહીએ.


Created by- Suthar Sureshkumar R 

શિક્ષક

વાંચે, વિચારે, વિકસે, વાંચનભૂખ જગાડી વાંચતા કરે,
નવું જાણવા હંમેશા અહીંતહીં ખાંખાંખોળા કરતા ફરે.
ભણે, ભણાવે, ભણતા કરવા વાલીસંપર્ક માટે જાય ઘરે,
શીખવે એવી રસમય રીતથી કે બાળક કયાંય ના ફરે.
સેવા, શિસ્ત, સ્વચ્છતા, સમયનું પાલન સૌથી પહેલા કરે,
બાળકોની સાથે જાય એવા હળીમળી કે જેથી તે ન ડરે.
માનવ મહેરામણમાં માન અને મરતબો એવો તરે,
અસત્ય બોલનાર આવી પડે સામે તો ઘડીભર ના ઠરે.
ઓ કાન્હા, હોય કોઇ પ્રસંગ કે કાર્યકમ માઇક ત્યારે ધરે,
મંત્રમુગ્ધ કરનાર શબ્દરૂપી પુષ્પો શિક્ષકના મુખેથી જરે.


Created by- Suthar Sureshkumar R 

નૂતનવર્ષે










(ફોટો વેબ પરથી સાભાર લીધેલ છે)
આપણું જીવન સદવિચાર – સદાચારથી સુરભિમય બનાવીએ,
સુસંસ્કારો અને સદધર્મની સદા સોનેરી સરવાણી વહાવીએ.
સ્નેહ અને પ્રેમનું ઝરણું જીવનમાં સતત વહેતું રાખીએ,
ખુશીઓની અગણિત ધારાઓથી સૌને ભીંજવતા રહીએ.
સૌના સાથ સહકાર અને સ્નેહને હદયથી સ્વીકારીએ,
સફળતાના શિખરો સર કરવા પુરુષાર્થની કેડી કંડારીએ.
સફળતામાં સાથ આપનાર આપ્તજનોના આશીર્વાદ લઈએ,
સૌ સ્નેહીજનોને અંત:કરણથી શુભકામનાઓ પાઠવીએ.
ઓ-કાન્હા, નૂતનવર્ષે આપણે સૌ સ્વર્ણિમ સંકલ્પ કરીએ,
ઝગમગતા દીવડા સંગ સૌના ઉરમાં ઉલ્લાસ ભરીએ.


Created by- Suthar Sureshkumar R 

ભ્રષ્ટાચારનો ભોરિંગ ભગાવો

એકમેકના હાથ મિલાવી સહિયારો સંકલ્પ ગજાવો,
દીવડીએ દીપમાળ જગાવો ભ્રષ્ટાચારનો ભોરિંગ ભગાવો.
દેશબાંધવો આજ નિંદ્રા તોડી શક્તિ સૌની કામે લગાડો,
માંગે જે વ્યવહાર ચા-પાણીનો તેને પહેરેલે કપડે ભગાડો.
હોય નાનું ગામ, નગર કે મેટ્રો શહેર, ઠરે ત્યાં કસુરવાર,
ભૂલ નાની કે મોટી હોય સામે કરો બુલંદ અવાજ અપાર.
કરે ઠાગાઠૈયા તેને આરટીઆઇનું અમોઘ શસ્ત્ર સામે ધરો,
ભોમિયા બની ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી ભોં ભેગા કરો.
દેશને ખુણે ખુણેથી કોરી ખાનારા કીડાને આજે પાંજરે પુરાવો,
દેશની અસ્મિતા પાછી મેળવવા, ભ્રષ્ટાચારનો ભોરિંગ ભગાવો.
શ્યામ તું સંદેશો મોકલાવ
શ્યામ તું સંદેશો મોકલાવ મારે તને મળવા રે આવવું,
તારા વિના ગમતું નથી મારે તને મળવા રે આવવું.
રાણોજી રોજ મને મારે બહુ મેણા,
તારા બે બોલ સંભળાવ મારે તને મળવા રે આવવું.
સાધુનો સંગ છોડી વસો મહેલમાં મીરાં,
રાણોજી એમ કહે રોજ મારે તને મળવા રે આવવું.
મહેલમાં મન કયાંય લાગતું નથી હવે
તારી સંગ ઝૂંપડી બંધાવ મારે તને મળવા રે આવવું.
મેવાડના રસ્તે મને ગમતું નથી હવે
દ્વારિકાનો રસ્તો બતાવ મારે તને મળવા રે આવવું.

                               


                            નવા બાળગીતો સમયાંતરે અપડેટ થતા રહેશે, 


                                                    કૃપા કરી ફરી મુલાકાત કરશો...